Monday 20 August 2012

શા માટે આજે ગુજરાતની કોર્પોરેટ કંપનીઓને પ્રોફેશનલ સ્કીલની જરૂર છે?


બીજા રાજ્યોની સરખામણીએ ગુજરાત આજે કોર્પોરેટ ક્ષેત્રમાં પ્રોફેશનલ સ્કીલની નજરથી નંબર એકના સ્થાને આવે છે તેવું આપણા રાજકીય નેતાઓ, મોટા બીઝનેસ હાઉસના માંધાતાઓ અને મેનેજમેન્ટના ગુરુઓ કહે છે પરંતુ જો આપ આ ગુજરાતની આજ કંપનીઓની અંદર જઈને ડોકિયું કરશો તો જણાશે કે આ કંપનીઓમાં નંબર એકનું સ્થાન તો છેલ્લેથી શરુ થાય છે.

ગ્લોબલ મેનેજમેન્ટના ૨૦૧૧ના એક સર્વે મુજબ ગુજરાતની જેટલી પણ જૂની કંપનીઓ છે કે જેને આપણે પેઢીઓ કહી શકાય અને તે ઘણા સમયથી કાચબાની ચાલથી ચાલે છે તે કંપનીઓમાં આજે પ્રોફેશનલ સ્કીલની બહુ જ જરૂર છે. કર્મચારીઓનો બહોળો અનુભવ અને તેનું દરરોજનું કામ ભલે કંપનીઓને મજુર કામદારોના પગારની જેમ ચાલતું હોય પરંતુ જયારે આ જ કંપનીઓને એક આંતરરાષ્ટ્રીય સ્થળે લઇ જવાની વાત આવે ત્યારે બિચારા કંપનીના કર્મચારીઓના મોતિયા મરી જાય છે. 

આજે મોટા ભાગની કંપનીઓના કર્મચારીઓની ઉંમર ૪૦-૫૮ વર્ષની વચ્ચે છે અને જો તેને નવી ટેકનોલોજી કે નવી સીસ્ટમ વિશે સમજાવવામાં આવે કે શીખવાડવામાં આવે તો એ લોકોને થોડી તકલીફ પડે છે અને તેથી જ મોટા ભાગના કર્મચારીઓ આજે પરિવર્તનને સ્વીકારવા તૈયાર નથી અને જેમ ચાલે છે તેમ જ ચાલ્યા કરશે તેવી માનસિકતા ધરાવે છે અને તેથી જ કોઈ કંપનીમાં પ્રોફેશનલ સ્કીલનો ઉપયોગ થતો નથી. પરિણામ, કંપનીનો ધ્યેય સિદ્ધ થતો નથી અને ઉચ્ચ અધિકારીઓમાં નિરાશા વ્યાપી જાય છે. 

મને યાદ છે કે હું જયારે એક કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે તે કંપનીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એકદમ વિદેશી કંપનીને તાલમેલ ખાતું હતું અને કંપનીના પટાંગણમાં ઝાડ, વૃક્ષ, ફૂલ, કસરત કરવા માટેના સાધનો, કેન્ટીન અને થોડો આરામ કરવા માટે અદ્યતન રૂમ બનાવેલા હતા પરંતુ જયારે કંપનીના કર્મચારીઓને એમ કહેવામાં આવે કે તમારે હવે આ નવી ટેકનોલોજીને અનુરૂપ થવાનું છે ત્યારે બિચારા કર્મચારીઓ એ આરામ કક્ષમાં જ થાકી જાય છે અને આડી અવળી વાતો કરવા લાગે છે કે હવે આ ઉંમરે અમારે શું નવું શીખવાનું ? કંપનીને તો અમારી ક્યારેય કદર જ નથી કરી અને કરવાના પણ નથી. આ માનસિકતા છેક કર્મચારી નિવૃત થાય ત્યાં સુધી રહે છે.

કોઈ કંપની તમને બંગલો બનાવી દેવાની નથી કે કાર લઇ દેવાની નથી. તમારી સ્કીલનો માત્ર ઉપયોગ જ કરશે અને જરૂર પડ્યે તમને ફેંકી પણ દેશે. આવી વિચાર સરણી જ્યાં સુધી કંપનીના કર્મચારીઓમાં રહેશે ત્યાં સુધી કોઈ પણ કંપનીનો વિકાસ થશે નહિ. તાજેતરમાં એક એમ બી એ કોલેજમાં મેં વ્યક્તવ્ય આપ્યું ત્યારે એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન  પૂછ્યો કે સાહેબ, જો હું કોઈ કંપનીમાં જોડાઉં તો મને કઈ કઈ સવલતો મળશે ? મેં કહ્યું કે સવલતો ? સૌ પ્રથમ તો તારે ૬ મહિના કે ૧ વર્ષ સુધી કંપનીને જાણવી પડશે, તેમની પ્રોડક્ટ, પ્રોસેસ અને અલગ અલગ વિભાગો વિશે જાણકારી મેળવવી પડશે અને તે પછી તારે એ કંપનીને રીઝલ્ટ આપવું પડશે અને એ પછી જો કંપનીને એમ લાગશે કે આ કર્મચારીને મારે આગળ પ્રમોસન આપવું છે તો તને રાખશે નહીતર તારે બીજી કંપનીમાં જવું પડશે. સવલતોની વાત તો મિત્ર તારા પરફોર્મન્સ પછી જ આવે છે.

જો આપણે ગુજરાતની બહાર જોવા જઈએ તો ઈન્ફોસીસ, વિપ્રો, ગૂગલ, માઈક્રોસોફ્ટ, આદિત્ય બિરલા ગ્રુપ, એસ્સાર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને બીજી ઘણી કંપનીઓ છે કે જે આજે પણ તેના કર્મચારીઓ પાછળ ઇન્વેસ્ટમેન્ટ કરે છે કારણકે તેમને ખબર છે કે આજનો કર્મચારી એ નોલેજથી ભરપુર છે અને જો હું એમનું ધ્યાન નહિ રાખું તો બીજા લોકો એમનું ધ્યાન રાખશે અને એટલા માટે જ આજે નાના અને માધ્યમ કર્મચારીના પ્રમોશનનું પ્રમાણ વધી ગયું છે. દરેક મોટી મોટી કંપનીઓએ આજે પોતાનું ઇન હાઉસ ટ્રેનીંગ સેન્ટર ખોલી દીધું છે જેથી પોતાનો કર્મચારી સારી પ્રોફેશનલ સ્કીલ અને નોલેજથી વાકેફ રહે. પોતાનું ટ્રેનીંગ સેન્ટર હોવાથી ટ્રેનીંગ પાછળ ખર્ચ પણ ઓછો થાય છે અને કર્મચારી ઉપર સંપૂર્ણ ધ્યાન દઈ શકાય છે.

આજે વિશ્વની તમામ મોટી મોટી કંપનીઓના કર્મચારીઓ અંગ્રેજીનું નોલેજ ધરાવે છે અને જરૂર પડ્યે બીજી ભાષા પણ શીખે છે જેથી બીઝનેસમાં કોઈ તકલીફ ના પડે જયારે ગુજરાતમાં આ પદ્ધતિ હજુ સુધી સંપૂર્ણ પણે સ્વીકારવામાં આવેલ નથી. મારો મિત્ર એક આયાત-નિકાસની કંપનીમાં નોકરી કરે છે અને તેના સાહેબે તેને ચીનનું માર્કેટ સોંપેલ છે જયારે મેં એમને કહ્યું કે તું ચીનના લોકો જોડે કઈ ભાષામાં વાત કરે છે ? ત્યારે એમણે મને કહ્યું કે હું તો થોડું અંગ્રેજી અને થોડું હિન્દીમાં વાત કરું છું. હું આશ્ચર્ય થઇ ગયો કે અંગ્રેજી તો સમજ્યા ભાઈ પણ આ હિન્દી ક્યાંથી આવ્યું? તો એમણે મને કહ્યું કે હમણાં મારી પાસે એક રીપોર્ટ આવેલો અને તેમાં દર્શાવેલું કે ચીનની મોટા ભાગની કંપનીઓમાં આજે હિન્દી ભાષા શીખવાડવા માટે શિક્ષકો રાખેલા છે. કારણકે હિન્દી એ હવે આંતરરાષ્ટ્રીય ભાષા બની ગયી છે તેથી મને તો એમાં જ માફક આવે છે.

મેં એમણે કહ્યું કે ભાઈ તું એક કામ કર. તું ચાઇનીઝ ભાષા શીખી જ તને ખુબ જ કામ લાગશે. તો એ મને કહે છે દિપકભાઈ, મારી કંપની એ સ્વીકારશે નહિ કેમ કે મારા સિવાય કોઈને આ ભાષા નહિ આવડે અને હું કંપનીના ગ્રાહક જોડે શું વાત કરું છું એ મારા સાહેબને ખબર નહિ પડે અને તેમને ગમશે પણ નહિ કેમ કે મારી કંપની એ થોડી ઉંચી વિચારધારા વાળી નથી. તેઓ એના બદલે મને કદાચ કાઢી પણ મુકે. 

મારી અગાઉની કંપનીમાં માર્કેટિંગ વિભાગમાં એક ભાઈ નોકરી કરતા હતા અને જયારે જયારે હું કોઈ પણ ટ્રેનીંગ પ્રોગ્રામ વિશે નોટીસ મોકલું ત્યારે એ મને એમનું પોતાનું નોમીનેશન જરૂરથી મોકલતા. આવું લગભગ ત્રણેક મહિના સુધી ચાલ્યું અને પછી મેં એમણે આતુરતાપૂર્વક પૂછ્યું કે "ભાઈ, તમે માર્કેટિંગ વિભાગમાં નોકરી કરો છો અને ફાઈનાન્સ, એચ આર, પ્રોડક્શન કોઈ પણ વિભાગની ટ્રેનીંગમાં તમારી હાજરી હોય જ છે. મને લાગે છે કે તમે નવું નવું શીખવાના ભરી શોખીન લાગો છો નહિ ? ત્યારે એમણે મને કહ્યું કે દિપકભાઈ, મારા સાહેબ છેલ્લા ૨૦ વર્ષથી આ કંપનીમાં ઉચ્ચ હોદા ઉપર છે અને તેની નીચે ૨૦ માણસો કામ કરે છે. આ ૨૦ માણસોએ તેના ટોટલ ૫ વર્ષના કેરિયરમાં ક્યારેય ટ્રેનીંગ લીધી નથી કારણ કે અમારા સાહેબને બસ કામ સિવાય બીજી કોઈ  વાત નહિ એ સિદ્ધાંતમાં મને છે અને કંપનીની પ્રોસેસ અને પોલીસી પ્રમાણે ટ્રેનીંગમાં હાજરી આપવી ફરજીયાત હોય છે અને તેથી જ મારા સાહેબ મને કોઈ પણ ટ્રેનીંગમાં મોકલે છે ભલે પછી મને ખબર પડે કે ના પડે. 

ટ્રેનીંગમાં હાજરી આપવી એ જ મારું કામ છે.

જયારે આવા વિચાર સરણી ધરાવતા સાહેબો મોટી મોટી કંપનીઓમાં હોય ત્યાં સુધી કંપની ચાલુ જ રહે છે તેના કર્મચારીઓના નોલેજ પ્રોફેશનલ  સ્કીલ અને ગુણવતામાં વધારો થતો નથી. 

મને યાદ છે આજથી બરાબર ૨ વર્ષ પહેલા જયારે હું એક ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો ત્યારે એક કર્મચારીએ મને આવીને કહેલું કે દિપકભાઈ મારે આ ટ્રેનીંગમાં જવું છે તો તમે મદદ કરશો? મેં કહ્યું કે ભાઈ હું તારું નામ આ ટ્રેનીંગ માટે રજુ કરીશ અને તને જણાવીશ. ત્યાર પછી મેં મારા ઉપરી અધિકારીને કહેલું કે સાહેબ આ કર્મચારીને આ ટ્રેનીંગમાં જવા માટેની ઈચ્છા છે અને મેં જોયું પણ છે કે આ ટ્રેનીંગ એ તેમના કામને મળતી આવે છે અને ભવિષ્યમાં જરૂરથી તેમને કશું કામ આવશે. ત્યારે મારા સાહેબે કહેલું કે સારું એક કામ કર આ કાગળ મારા ટેબલના ત્રીજા ખાનામાં મૂકી દે. હું એમણે જણાવી દઈશ. હું તો ખુશ થઇ ગયો કે વાહ ! બિચારો કશું શીખીને આવશે.

બે કે ત્રણ દિવસ પછી એ કર્મચારી પાછો મારી પાસે આવ્યો કે દિપકભાઈ શું થયું મારી ટ્રેનીંગ નું ? મારે આવતીકાલે જવાનું છે. મેં કહ્યું કે ચિંતા ના કર. મારા સાહેબ તારી જોડે વાત કરી લેશે. બે દિવસ પછી એ ફરીથી મારી પાસે આવ્યો અને કહ્યું કે દિપકભાઈ, તમારા સાહેબનો ફોન ના આવ્યો અને ટ્રેનીંગ પણ પતી ગયી હવે ? 

મેં તરત મારા સાહેબને વાત કરી કે સાહેબ તમે શું પેલા કર્મચારીની ટ્રેનીંગ વિશે વાત કરતા ભુલાઈ ગયું હતું ? મારા સાહેબે પ્રત્યુતર આપ્યો કે દિપક, એ કર્મચારીના સાહેબ એક મોટી ટ્રેનીંગમાં જવા માંગતા હતા એટલે એમના કર્મચારીની ટ્રેનીંગની મંજુરી ના મળી. મેં કહ્યું કે સાહેબ કોણ મંજુરી આપવાનું હતું ? સાહેબે કહ્યું કે "આ કર્મચારીના સાહેબ".

હું એકદમ વ્યથિત થઇ ગયો અને મેં નક્કી કર્યું કે આ કંપનીમાં હવે આપણે કામ કરવું નથી કેમ કે જે કંપનીમાં આ પ્રકારની કામગીરી થતી હોય ત્યાં આપણું કામ નહિ. આજે એ વાતને બે વર્ષ થયા અને આજ દિવસ સુધી એ કર્મચારી મને કહે છે કે દિપકભાઈ તમારા કંપનીને છોડ્યા પછી 
મને ટ્રેનીંગ સંપૂર્ણ પણે બંધ થઇ છે. મળે છે તો માત્ર મારા સાહેબને જ !

આવો જાગૃત થઈને એક મેનેજમેન્ટના વિદ્યાર્થી તરીકે કામ કરીએ અને કર્મચારીઓની અને કંપનીની પ્રગતિમાં સાથ આપીએ. 

No comments:

Post a Comment